Shopping cart

Subtotal $0.00

View cartCheckout

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

TnewsTnews
  • Home
  • Uncategorized
  • શું તમે જાણો છો સોમનાથમાં ૩૦ જેટલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે? ધાર્મિક મહિમાની વચ્ચે શું બૌદ્ધ વિરાસત ભૂલી રહ્યા છીએ? સોમનાથના ઈતિહાસનું એક અજાણ્યું પાનું…
Uncategorized

શું તમે જાણો છો સોમનાથમાં ૩૦ જેટલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે? ધાર્મિક મહિમાની વચ્ચે શું બૌદ્ધ વિરાસત ભૂલી રહ્યા છીએ? સોમનાથના ઈતિહાસનું એક અજાણ્યું પાનું…

Email : 1273127

ગુજરાતનું મહત્ત્વનું ધાર્મિક સ્થળ એટલે સોમનાથ પ્રભાસ પાટણ. કહેવાય છે કે ભારતમાં 12 જ્યોતિર્લિંગો આવેલાં છે. સોમનાથ મહાદેવનું પ્રખ્યાત મન્દિર એમાંનું એક છે. સોરઠના દક્ષિણ સાગરતટે સોમનાથ આવેલું છે. એક સમયનું ધમધમતું મહત્ત્વનું વ્યાપારી બંદર હતું. ગ્રીક, આરબ, રોમન અને ઈરાનીઓ સાથે વ્યાપારી સંબંધો હતા. જો કે ઇતિહાસનાં પાનાંઓ ઉપર સોમનાથ મન્દિર ક્યારે અને કોણે બંધાવ્યું હતું તે અંગે ચોક્કસ તવારીખ મળતી નથી. પરન્તુ પ્રભાસ નગરનું વર્ણન વાંચવા મળે છે. પ્રભાસનું અનાર્ય નામ મિનુર હતું. સમુદ્રમાર્ગે સૂર્યવંશી આર્યો આવ્યા. અહીં પોતાનું આધિપત્ય સ્થાપ્યું. એમણે મિનુરને ભાસ્કરતીર્થ નામ આપ્યું. સમય સાથે ચંદ્રવંશી આર્યો આવ્યા. એમણે સોમતીર્થ કહ્યું. કાળના પ્રવાહમાં બન્ને એક થાય છે અને પ્રભાસ નામ આપે છે. (જેમ કે આજે કેટલાંક નામ સરકાર દ્વારા બદલાઇ રહ્યાં છે.)

ઈ.સ. પૂર્વે પચાસથી લઈ છેક પાંચમી સદી સુધી સોમનાથ મહાદેવના નામની નોંધ ક્યાંય જોવાં કે વાંચવા મળતી નથી. છતાં ભારતમાં આવેલાં બાર જ્યોતિર્લિંગોમાં આજે સોમનાથની ગણના થાય છે. અહીં આવેલ બૌદ્ધ ગુફાઓની વિગતવાર માહિતી મૂકું એ પહેલાં સોમનાથ મહાદેવની કથા જાણવી ખૂબ જરૂરી છે. દેશની સ્વતંત્રતા પછીના દાયકામાં શિક્ષિત થયેલા વર્ગોએ આ અદ્ભુત કથા ખરેખર જાણવી જોઈએ અને તર્કની એરણ ઉપર તેને તપાસવી જોઈએ.

પ્રજાપતિ દક્ષને 27 પુત્રીઓ હતી. આ સત્તાવીસે સત્તાવીસ પુત્રીઓનાં લગ્ન ચંદ્ર સાથે કરવામાં આવ્યાં હતા. (અદ્ભુત વિવાહ કહેવાય !) ચંદ્ર એટલે રાત્રે આકાશમાં દેખાય છે એ ચંદ્ર. દક્ષની આ 27 પુત્રીઓમાં રોહિણી ખૂબસૂરત હતી. ચંદ્ર રોહિણી પ્રત્યે વધુ આસક્ત રહેતો હતો. બાકીની કન્યાઓની ઉપેક્ષા કરતો હતો. 26 કન્યાઓએ તેના પિતાને આ અંગે ફરિયાદ કરી. દક્ષ ચંદ્રને સમજાવે છે, છતાં ચંદ્રના વર્તનમાં કોઈ ફેરફાર થતો નથી. અંતે દક્ષ ચંદ્રને શાપ આપે છે. શાપથી ચંદ્રને રાજ્યાક્ષય થાય છે. ક્ષયમાંથી છુટકારો મેળવવા ચંદ્ર બ્રહ્માને વીનવે છે. બ્રહ્મા મહાદેવને ચરણે જવા કહે છે. મહાદેવને પ્રસન્ન કરવા બન્ને સાથે મળી મહાદેવનું મન્દિર બંધાવે છે. ત્યાર પછી બ્રહ્માએ ધરતી ફાડી તેમાંથી તેજસ્વી ઈંડાકારનું સ્વયંભૂ લિંગ પ્રગટ કર્યું. તેના પર મધ અને દર્ભ મૂક્યાં અને પછી બ્રહ્મશિલા મુકાઈ તે આ સોમનાથનું મન્દિર.

ત્યાર બાદ બીજી કથામાં સૌપ્રથમ ચંદ્રમાએ સોમનાથ મન્દિર સુવર્ણનું બનાવ્યું. ત્યાર પછી  લંકાપતિ રાવણે રૂપાનું બનાવ્યું. (આ રાવણ રામાયણમાં આવે છે એ જ કે અન્ય તેવો ઉલ્લેખ મળતો નથી.) અને શ્રીકૃષ્ણે લાકડાંનું બનાવ્યું. અંતે છેલ્લે ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પહેલાએ પથ્થરનું બનાવ્યું. આ એ જ પાટણપતિ સોલંકી ભીમદેવ રાજા હતો કે જે મહમદ ગઝનીના આક્રમણ સમયે પાટણ છોડી નાસી ગયો હતો. ઈ.સ.ની દસમી સદી પછી સોમનાથ મન્દિર અનેક વાર લૂંટાતું રહ્યું, તૂટતું રહ્યું અને સ્થાનિક રજવાડાં દ્વારા ફરી નિર્માણ પામતું રહ્યું.

કહેવાય છે કે, સોમનાથ મહાદેવનું લિંગ 10 ફૂટ ઊંચું, 6 ફૂટ જાડું અને 4 ફૂટ જમીનમાં દટાયેલું હતું. આ લિંગની આજે કલ્પના કરવી ઘણી અતિશયોક્તિ લાગે છે. આ લિંગને કાયમ ગંગાજળથી નવડાવતા હતા. ગંગા નદીના સુમેશ્વર ઘાટથી રોજ ગંગાજળ લાવવામાં આવતું હતું.

સોમનાથ મહાદેવના મન્દિરમાં 500 દેવદાસી, (દેવદાસીઓની અહીં શું જરૂર હશે ?), 300 વાજિંત્રો વગાડનારા અને 2000 પૂજારીઓ હતા. (આજે બે હજાર પુજારી નથી.) મન્દિરના નિભાવ માટે 2000 ગામની આવક લખી આપવામાં આવી હતી. દર્શને આવતાં યાત્રાળુઓની સંખ્યા એટલી મોટી હતી કે મુંડનવિધિ માટે દરિયાકાંઠે 300 હજામ કાયમ હાજર રહેતા હતા. (આજેય એટલા હજામ પૂરાં સોમનાથમાં નથી.)

સોમનાથની ઉપરોક્ત કથા કલ્પનાથી વિશેષ જણાતી નથી, પરન્તુ મન્દિર વાસ્તવમાં ભવ્ય હતું. મુસ્લિમ લેખક અલબરુની લખે છે કે, મન્દિર લાકડાંના છપ્પન થાંભલાઓનું બનેલું હતું. દરેક થાંભલો સોનાના પતરાથી મઢેલો હતો. તેના ઉપર હિરા, માણેક, મોતી, પન્ના અને પોખરાજ રત્નોનું જડતર હતું. સાંજની આરતીનો ઘંટ એટલો મોટો હતો કે એને બસો મણ સોનાની સાંકળ વડે ખેંચવામાં આવતો હતો. કહેવાય છે કે લિંગની નીચે સોનાના ભંડાર હતા.

મન્દિરની જાહોજલાલી અને ભવ્યતાના સમાચાર અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતના સૂબા મહમદ ગઝનીના દરબારમાં પહોંચે છે. મહમદ ગઝનીના પિતા શબકતગીન ગુલામ હતા. એ પોતાના બળે અમીર બન્યો હતો. એક ગુલામ સ્ત્રી જાબુલી સાથે તેણે લગ્ન કર્યાં હતા. શબકતગીનને બે દીકરા હતા. ઇસ્માઈલ મોટો અને મહમદ ગઝની નાનો હતો. મહમદે સોમનાથ મન્દિરમાં આવેલી અઢળક સોનામહોર અને બીજી સંપત્તિ વિશેની ખ્યાતિ સાંભળી. લૂંટફાટ કરવાના ઈરાદે સોમનાથ ઉપર ચડાઈ કરી. મહમદ ગઝની તા. 18 ઓક્ટોબર, 1025ને  સોમવારે અફઘાનથી લાખોનું લાવલશ્કર લઈ નીકળ્યો હતો. તા. 06 જાન્યુઆરી, 1026ને ગુરૂવારે પ્રભાસ પાટણ આવી પહોંચ્યો હતો. બીજા દિવસે શુક્રવાર હોવાથી તે જ સાંજે મન્દિર ઉપર હુમલો કરી બેફામ લૂંટફાટ ચલાવી હતી.

ત્યારપછી સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મન્દિરનો પુનરુદ્ધાર કર્યો હતો. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે તા. 11 મે, 1952ના રોજ શિલા ઉપર સોમનાથની પુન: પ્રતિષ્ઠા કરી હતી.

પ્રભાસ પાટણથી થોડે દૂર શ્રીકૃષ્ણે ભાલકામાં દેહત્યાગ કર્યો હતો એવી કથા પણ છે. અહીં હીરણ, સરસ્વતી અને દેવકી નદીનો સંગમ થાય છે. દેવકી કે કપિલા નદી અદૃશ્ય છે. ત્રણ નદીના સંગમને ત્રિવેણી ઘાટ કહે છે.

ઇતિહાસકારોએ કરેલું આ બધું ધાર્મિક મહિમામંડન અતિશયોક્તિ ભરેલું લાગે છે. મન્દિરના ગર્ભમાં પુષ્કળ સોનું હતું. ધમ્મના ઓઠા તળે સોનાનું દાન સ્વીકારવામાં આવતું હતું. મહમદ ગઝની આ સંપત્તિ લૂંટવા જ આવ્યો હતો. મન્દિરનો ઉપયોગ સોનાનો સંગ્રહ કરવામાં થતો હોય ત્યારે  પરિણામ કેવું પ્રાપ્ત થાય એ દિશામાં પણ વિચારવું રહ્યું. આજે પણ આસ્થાના નામે સોનાનો ચડાવો થાય છે. ઈશ્વર સોનું ધારણ કરતાં નથી છતાં દુકાન ચાલું રાખવા સોનાનાં દાનમાંથી સોનાનાં ઘરેણાં બનાવી મૂર્તિઓને શણગારવામાં આવે છે. આસ્થાના નામે સોનાનું દાન મળતું રહે અને પરંપરાનાં નામે ધન પણ ચાલુ રહે.

ઉપરોક્ત ઘટનાઓ અહીં મૂકવાનો આશય એટલો જ છે કે અહીં પુષ્કળ પ્રમાણમાં બૌદ્ધ ગુફાઓ આવેલી હતી અને આજે પણ છે. પરન્તુ ક્યાંય બૌદ્ધ ગુફાઓનો ઉલ્લેખ વાંચવા મળતો નથી. એક પણ ઇતિહાસકાર લેખક દ્વારા બૌદ્ધ વિરાસત માટે એક પણ શબ્દ લખાયો નથી. ઇતિહાસકારો ગલીએ ગલીએ આવેલાં મન્દિરો અને કહેવાતાં દેવસ્થાનોની નોંધ લેવાનું ચૂક્યાં નથી, પરન્તુ બૌદ્ધ ગુફાઓ અને વિહારોને તરછોડી દીધાં છે. આવું કેમ કર્યું હશે એ સંશોધનનો વિષય છે. ફોટાઓમાં અદ્ભુત અને દર્શનીય બૌદ્ધ ગુફાઓ જોઈ શકશો. પુરાતત્ત્વ વિભાગ દ્વારા સદ્ભાવના મેદાનમાં આવેલી ચાર બૌદ્ધ ગુફાઓ આગળ બોર્ડ લગાવેલા છે. આજે આ બોર્ડ કટાઈ ગયાં છે. ગુજરાતની ગૌરવભરી સ્થાપત્યશૈલી એના અસ્તિત્ત્વ સામે ઝઝૂમી રહી છે. હું એમ  કહીશ કે સોમનાથ પાટણ બૌદ્ધ ગુફાઓથી છલકાતું હતું. બૌદ્ધ ભિક્ષુઓ હીરણ નદીનાં કાંઠે, સરસ્વતી નદીના કાંઠે અને સમુદ્રતટે વિહરતા હતા. હાલ સોમનાથ પ્રભાસ પાટણમાં 30 બૌદ્ધ ગુફાઓ છે. જેમાંની 11 બૌદ્ધ ગુફાઓ સિવાય બાકીની ગુફાઓ ઉપર અન્યનો કબજો છે.

સદ્ભાવના મેદાનમાં ચાર બૌદ્ધ ગુફાઓ છે. ખુલ્લાં મેદાનના દક્ષિણ છેડે આવેલાં વડના ઝાડ પાસે મોટો ખડક છે. આ ખડકમાં બે ગુફા છે. ગુફા ખૂબ મોટી છે. લંબાઈ 28.50 છે. પહોળાઈ 39 ફૂટ છે. ઊંચાઈ 8 ફૂટ છે. અંદર વચ્ચોવચ્ચ 3.5 × 3.50 ફૂટના ચાર ચોરસ સ્તંભ છે. પ્રથમ ગુફાની અંદર ડાબી બાજુ ધ્યાન ગુફા છે. તે પણ મોટી છે. હાલ ગુફા ઉપર પીલુડીનું ઝાડ ઊગી ગયું છે. બાજુની ગુફામાં અંદર ચાર ચોરસ 4 × 4ના સ્તંભ છે. આ ગુફા 26 × 28 × 8 ફૂટની છે. બન્ને ગુફાના દ્વારા 4.50નાં છે. ગુફાઓના દ્વાર ઉપર નાના નાના ખાંચા જોવા મળે છે. જેને ગવાક્ષો કહે છે. આ બન્ને ગુફાને જોડતું અંદર બારું છે. બરાબર ગુફાનાં દ્વારની પાસે પુરાતત્ત્વ વિભાગનું બોર્ડ છે. એમાં જણાવ્યા પ્રમાણે આ ગુફાઓ ત્રીજી અને ચોથી સદીની હોવાનું માનવામાં આવે છે. સામે સાવ નાની ટેકરી છે તેમાં બે ગુફા છે. એક ગુફા ખૂબ નીચી છે. નમીને અંદર જવું પડે છે. અંદર બે સ્તંભ છે. 20 × 30 × 5 ફૂટની છે. બીજી ગુફાની આગળ કાંટાળા બાવળ ઊગી ગયા છે. અંદર પ્રવેશી શકાય તેમ નથી. અહીં ચાર ગુફાઓ છે. બાજુમાં આવેલ વડના ઝાડ પાસે કૂવો છે. તે એક જ પથ્થરમાંથી બનાવેલો છે. લોકમુખે કૂવાને બૌદ્ધ કૂવો કહે છે. વડની વડવાઈઓએ કૂવાને ઢાંકી દીધો છે. કૂવાકાંઠે કોતરણીવાળા પથ્થર જોવા મળે છે. અહીં સામેથી પસાર થતો રોડ ત્રિવેણી સંગમ તરફ જાય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલાં સિક્યોરિટી ગાર્ડના કહેવા પ્રમાણે રસ્તાને સામે કાંઠે ઘણી ગુફાઓ હતી જેને નષ્ટ કરવામાં આવી છે.

બૌદ્ધ કૂવાની પાછળના ભાગે અવધૂતેશ્વર આશ્રમ છે. અહીં કુલ સાત ગુફાઓ છે. અહીં પણ કૂવો છે. ત્રણ ગુફામાં ફેરફાર કરેલ છે. બાકીની ચાર ગુફા મૂળ સ્વરૂપે છે. એક ગુફામાં ખોડિયાર મન્દિર બનાવેલ છે. બીજીમાં ગુપ્તેશ્વર મહાદેવ બેસાડી દીધા છે. આ ગુફા 8.5 × 8 × 5.5ની છે. અંદર ધ્યાન ગુફા છે. બાજુની ગુફામાં સામાન મૂક્યો છે. આ ગુફા નાની છે. અહીં 20 વરસથી ગુજરાતી પૂજારી ગુલાબપરી સેવાપૂજા કરે છે. ગુલાબપરી કહે છે કે પેલા અહીં જંગલ હતું. આ બધી ગુફાઓ પાંડવ ગુફા છે. મોટી ગુફામાં ભૈરવનું મન્દિર બનાવેલ છે. મન્દિરની બાજુની ગુફા યથાસ્થિત છે. આશ્રમ હીરણ નદીના કાંઠે છે. ગુફા ઉપર કબજો છે.

આશ્રમની પાછળ નદીકાંઠે પાંચેક વિઘાનું ખેતર છે. ખેતરની વચ્ચે વિશાળ ખડક છે. ખડકમાં બે ગુફાઓ બચી છે. બન્ને ગુફાઓ સુંદર છે. ખડકની ફરતે દેખાતી ગુફાની નિશાનીઓ કહી રહી છે કે ગુફાના પથ્થરનો ઉપયોગ ચણવા માટે કરવામાં આવતો હશે. અહીં એક સમયે ખેતરની ફરતે અને નદીના કાંઠે ઘણી ગુફાઓ હોવી જોઈએ તેવું આજે પણ જોઈ શકાય છે.

ખેતરની લગોલગ પાછળ નેપાળી આશ્રમ છે. અહીં અલભ્ય કૂવો છે. આશ્રમ બરાબર હીરણ નદીના કાંઠે છે. કાંઠા પર ઊંડી ગુફા છે. ગુફામાં નરસિંહ બિરાજમાન છે. 12 પગથિયાં નીચે ઊતરી ગુફામાં જઈ શકાય છે. ગુફામાં લાદી લગાવીને ફેરફાર કરેલ છે. મન્દિરમાં બુદ્ધની મૂર્તિ છે, જેને રંગ કરેલ છે. આ ગુફા 13 × 6.5 × 5 ફૂટની  છે. અંદર નાની ધ્યાન ગુફા છે.

આગળ ઉપર ગોલક આશ્રમ આવેલ છે. અહીં બલદેવની ગુફા છે. આઠ પગથિયાં અંદર ઊતરીને ગુફામાં જઈ શકાય છે. આ ગુફા 12 × 8 × 5 ફૂટની છે. જમીનની અંદર ગુફા છે. સુધારો કરેલ છે. ગુફાની છત મૂળ સ્વરૂપે છે. ત્રિવેણી જવાના રસ્તે જમણી બાજુ તારની વાડ કરી છે. તેની અંદર એક ગુફા છે. ત્યાંથી આગળ જતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગ બની રહ્યું છે. પાર્કિંગની દક્ષિણ બાજુ એક ગુફા છે. ગુફાની અંદર એક પછી એક સળંગ સાત ગુફાઓ છે. બાજુમાં કુવો છે. અહીં બાવળના ઝુંડમાં ટેકરા ઉપર બૌદ્ધ અવશેષના પુરાવા જોવા મળે છે. એક પથ્થર ઉપર ગોળ કોતરણી  છે. ટેકરાની પાછળ બે મોટી ગુફાઓ છે. ત્રિવેણી ઘાટ ઉપર આદિ શંકરાચાર્યની અને હિંગળાજ માતાની ગુફા છે. અહીં દીપક મિશ્રા નામનો પૂજારી આદિ શંકરાચાર્યની ગુફામાં ઠંડક ભર્યા વાતાવરણમાં નક્દી નોટોનો થાળ લગાવી સાત શંકરાચાર્યની ગાથા સંભળાવે છે. હિંગળાજ માતાની ગુફાના આગળના ભાગે દુકાનો લગાવી છે. અહીં કેટલીક ખંડિત મૂર્તિઓ જોવા મળે છે.

સદ્ભાવના મેદાનમાંથી શરૂ થયેલી બૌદ્ધ ગુફાની યાત્રા હીરણ નદીના કાંઠે કાંઠે ચાલે છે. ત્રિવેણી સંગમમાં ભળતી ગીરના જંગલમાંથી નીકળતી સરસ્વતી નદીના કાંઠે આગળ ઉપર અનેક બૌદ્ધ ગુફાઓની હયાતી તેમ જ હીરણ નદી સામેના વિસ્તારમાં આવેલ કાંટાળા બાવળની ઝાડીમાં બૌદ્ધ ગુફાઓ પોતાની હયાતી દર્શાવે છે. ત્યારે અવધૂતેશ્વરની ગુફા, ગુપ્તેશ્વરની ગુફા, નરસિંહની ગુફા, બલદેવની ગુફા, હિંગળાજ માતાની ગુફા અને આદિ શંકરાચાર્યની ગુફા જોતાં એમ લાગે છે કે આ બધા જ કહેવાતા દેવો એકસાથે અહીં આવેલી ગુફાઓમાં માણસો દ્વારા બેસાડવામાં આવ્યાં છે. દેવ-દેવીઓની ગુફા હોવાનાં કોઈ ઐતિહાસિક પ્રમાણિત પુરાવા સાંપડતા નથી. નદી કાંઠાની તમામ ગુફાઓ ઉપર માણસસર્જિત આક્રમણ છે. નદીથી દૂર આવેલી એક પણ ગુફા ઉપર કબજો નથી. એ પુરવાર કરે છે કે ધર્મના નામે કાલ્પનિક દેવ-દેવીઓનો ઉપયોગ માત્ર ને માત્ર આસ્થાનો વેપાર છે. એથી વિશેષ કંઈ જ નથી. કેમ કે અહીં અમારી માપપટ્ટી ઉપર કેટલાક પૂજારીઓએ સવાલ ઉઠાવ્યા હતા. જયારે સવાલ ઉઠાવનાર પોતે બૌદ્ધ ગુફાઓ ઉપર ગેરકાયદેસર કબજો જમાવી બેઠાં છે. ઇતિહાસની બીજી તરફનાં પાનાં ઉકેલતાં જોવાં મળે છે કે આક્રાંતાઓ મન્દિર લૂંટવા આવ્યાં હતા કેમ કે મન્દિરો ધનસંગ્રહના સાધન બની ગયાં હતાં. ઇશ્વર ધનનો નહીં ભાવનો માલિક છે. જ્યારે બૌદ્ધ ગુફાઓ માનવ દુ:ખની મુક્તિનો માર્ગ શોધવાની એકાંત ધ્યાન કુટિરો હતી.

સોમનાથ પ્રભાસ પાટણમાં આજે પણ આટલી બૌદ્ધ ગુફાઓ છે. સરકાર અને પુરાતત્ત્વ વિભાગ આ બૌદ્ધ ધરોહરને બચાવે તો ગુજરાતનો અમૂલ્ય સ્થાપત્યકલા વારસો જળવાઈ રહે. તમામ બૌદ્ધ ગુફાઓ જર્જરિત થઈ ચૂકી છે. સોમનાથ મહાદેવની સાંજની આરતીનો નાદ કાંટાળી ઝાડીમાં આવેલી સૂની સૂની બૌદ્ધ ગુફાઓની દીવોલોને સ્પર્શી રહ્યો છે. ગુફામાંથી આવતી  માનવતાની લહેર હીરણ નદીના પ્રવાહને ભીંજવી રહી છે અને કહી રહી છે: અપ્પ દીપો ભવ.

 

 

Related Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts